દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા કલ્યાણપુર ખાતે સફળ ટ્રેપ ગોઠવી ₹5 લાખની લાંચ સ્વીકારતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, હરીપર ગામ ખાતે આવેલી કાળા પથ્થરની ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા ખોટી હેરાનગતિ ન કરવામાં આવે તે માટે સરપંચના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર અને જીવાભાઈ અરજણભાઈ પરમાર દ્વારા ફરીયાદી તથા તેના ભાગીદાર પાસે રૂ. 30 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. બાદમાં રકજકના અંતે રૂ. 20 લાખમાં સમાધાન થયું હોવાનું સામે આવ્યું છે.
આ રકમમાંથી પ્રથમ હપ્તા તરીકે રૂ. 5 લાખ આપવાની માંગણી કરવામાં આવતા ફરીયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ACB જામનગરની ટીમે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં ટ્રેપ ગોઠવ્યો હતો.
ટ્રેપ દરમિયાન બંને આક્ષેપિતોએ ફરીયાદી પાસેથી રૂ. 5 લાખની લાંચની રકમ માંગીને સ્વીકારી હતી. ત્યારબાદ ACBની ટીમે કાર્યવાહી કરી બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રૂ. 5 લાખની લાંચની રકમ પણ કબજે લેવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી ACB જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. કેસ અંગે વધુ તપાસ ACB દ્વારા હાથ ધરવામાં આવી છે.


Post a Comment
0 Comments